પ્રજાપરાયણ પુરુષાર્થી મહારાજા
સયાજીરાવ ગાયકવાડ...
અગિયાર વર્ષની ઉંમરનો ખાનદેશી ભરવાડનો
એક અભણ છોકરો ગાયો ચારતો ચારતો બીજા પરભાષી એક પ્રાંત-રજવાડાની ગાદીએ એકાએક બેસી
જાય, ત્યાંનો રાજા થઈ જાય એ તો એક પરીકથા જેવી જ વાત
કહેવાય ને ?
વડોદરાની ગાદીએ બેઠેલા, ગોપાળરાવમાંથી સયાજીરાવ બનેલા, પરીકથા જેવી લાગતી કથાના નાયક ત્યાર પછીના પોતાના સાઠ વર્ષના
શાસનકાળમાં પણ કંઈ કંઈ ચમત્કારો કરી બતાવે છે. આપખુદ, વિલાસી અને ગેરવહીવટની મેલી મથરાવટી ધરાવતા રાજવીઓ કરતાં સાવ નોખી
પ્રતિભા ધરાવતા રાજવી શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ, ગુજરાતની અસ્મિતાના જ્યોતિર્ધરોમાં એક અવિસ્મરણીય અસ્તિત્વ છે.
વડોદરાના રાજવી ખંડેરાવને કોઈ પુત્ર ન હતો. એમના પછી એમના નાના ભાઈ મલ્હારાવ ગાદીએ આવ્યા. પણ તેઓ પ્રજા પર જુલમ ગુજારતા એટલે રાજગાદી પરથી તેમને ઉઠાડી મૂકવામાં આવ્યા. એ પછી ગાયકવાડ વંશમાંથી કોઈ પણ બાળકને દત્તક લેવાનો હક મહારાણી જમનાબાઈને આપવામાં આવ્યો.
ઘણી તપાસના અંતે આખરે
એમણે મહારાષ્ટ્ર પ્રદેશમાં નાસિક જિલ્લામાં કવલાણા ગામમાં રહેતા ગાયકવાડ કુટુંબના
કાશીરાવ ગાયકવાડના ત્રણ પુત્રોમાંથી એકને પસંદ કરવાનું નક્કી કર્યું. તેમના ત્રણ
પુત્રો આનંદરાવ, સંપતરાવ અને ગોપાળરાવમાંથી તેમણે વચેટ
પુત્ર ગોપાળરાવની પસંદગી કરી. દત્તક લેવાયો ત્યારે ગોપાળરાવ ગાયો ચારતો એક અભણ
છોકરો હતો, પરંતુ જમનાબાઈએ ત્રણેયને પૂછ્યું કે
તેઓ વડોદરા કેમ આવ્યા છે. તેના જવાબમાં અભણ ગામડિયા ગોપાળે સટાક દઈને જવાબ આપી
દીધો : હું વડોદરાનો રાજા થવા આવ્યો છું. આવા આત્મવિશ્વાસથી ભર્યાભર્યા એ બાળકની
આંખોમાં તે ક્ષણે જ રાણી જમનાબાઈને એવો ચમકારો દેખાયો કે તેમણે ગોપાળરાવની તત્ક્ષણ
પસંદગી કરી લીધી. દત્તક લેવાયા બાદ એમનું નામ સયાજીરાવ રાખવામાં આવ્યું. તેમને
શિક્ષણ આપવા માટે મરાઠી અને ગુજરાતી શિક્ષકો રાખવામાં આવ્યા, પરંતુ જમનાબાઈને થયું કે આ વ્યવસ્થા પર્યાપ્ત નથી. એટલે રાજકુટુંબનાં
બાળકોને વ્યવસ્થિત કેળવણી મળે એ માટે એક ખાસ શાળા દરબારગઢમાં જ કરવામાં આવી. ઈલિયટ
નામના એક અંગ્રેજ તેના વડા થયા. અહીં સયાજીરાવને ગુજરાતી, મરાઠી, ઉર્દૂ તેમ જ અંગ્રેજી ભાષાનું શિક્ષણ
આપવામાં આવ્યું. સયાજીરાવને ગાદીએ બેસાડવામાં આવ્યા તે પહેલાં તેમને રાજશાસન
અંગેની ખાસ તાલીમ આપવામાં આવી. ઈ.સ. ૧૮૮૧ના ડિસેમ્બરની ૮મી તારીખે અઢાર વર્ષની વયે
તેમણે સંપૂર્ણ વહીવટ સંભાળ્યો.
સયાજીરાવ ગાદીએ બેઠા પછી પહેલો વિચાર
એમનાં લગ્ન અંગેનો થયો. દક્ષિણ ભારતમાં આવેલા તાંજોર રાજ્યમાં રહેતા હૈબતરાવ
નારાયણરાવ મોહિતેની પુત્રી લક્ષ્મીબાઈ ઉપર પસંદગી ઊતરી અને બંનેનાં લગ્ન ધામધૂમથી
ઊજવાયાં. મહારાષ્ટ્રમાં લગ્ન પછી પત્નીને નવું નામ આપવામાં આવે છે તે મુજબ
લક્ષ્મીબાઈનું નામ ચીમણબાઈ ૨ખવામાં આવ્યું. પરંતુ મહારાણીના મૂળ નામ ઉપરથી બાદમાં
વડોદરાના એક પૅલેસનું નામ લક્ષ્મીવિલાસ પૅલેસ રાખવામાં આવ્યું. લગ્ન બાદ બે વર્ષ
પછી યુવરાજ ફતેહસિંહરાવનો જન્મ થયો. પછી પુત્રીનો જન્મ થયો. ઈ.સ. ૧૮૮૫માં મહારાણી
ચીમણાબાઈનું અચાનક અવસાન થયું. એમના સ્મરણમાં સયાજીરાવે એક વિશાળ ઈમારત બંધાવી.
આજે એ સુંદર ઇમારત ન્યાયમંદિર નામે ઓળખાય છે. ત્યારબાદ સયાજીરાવનું બીજું લગ્ન
થયું.
રાજવહીવટ સંભાળ્યા પછી સયાજીરાવે
પોતાના તાબા હેઠળના પ્રાંતોમાં જાતે જઈને ત્યાંની પરિસ્થિતિ અંગે તપાસ કરી. આ
ઉપરાંત ભારતમાં અન્ય સ્થળોએ પણ પ્રવાસ કર્યો. ત્યાં અંગ્રેજોનું રાજ કેમ ચાલે છે
તેની નોંધ લીધી. તેમાંથી જે કાંઈ પણ પોતાના વહીવટમાં અપનાવવામાં યોગ્ય લાગ્યું તે
અપનાવ્યું. આ અવલોકન અને અનુભવ પછી તેમણે વડોદરાની તેમ જ તેમના તાબાના અન્ય
પ્રાંતોની પ્રજાની સુખાકારી-આબાદી માટે ભરપૂર પ્રયત્નો કર્યા. ઈ.સ. ૧૮૮૨માં
સયાજીરાવે પહેલો પરદેશ-પ્રવાસ કર્યો. ત્યારે એ ઓગણીસ વર્ષન
હતા. ઈ.સ. ૧૯૩૮માં પંચોતેર વર્ષની ઉમરે
એમણે છેલ્લો પરદેશપ્રવાસ કર્યો. છપ્પન વર્ષના આ ગાળામાં એમણે પરદેશના ૨૫ પ્રવાસો
કર્યા હતા. અમેરિકા,
ચીન, જાપાન, કૅનેડા ઉપરાંત યુરોપના અનેક દેશોના
પ્રવાસ કર્યા હતા. પરદેશમાં તેમણે જે કાંઈ સારું જોયું તેનો પોતાના રાજ્યમાં અમલ
કરવાનો પ્રયત્ન કર્યો હતો.
સયાજીરાવનાં અનેક પ્રજાકીય કાર્યોમાં
એક મહત્ત્વનું કામ કેળવણીનું છે. તેમણે પોતાના રાજ્યમાં બાળકો માટે કેળવણી આપવાનું
કાર્ય ખૂબ વ્યાપક બનાવી દીધું, ૧૮૯૩ની સાલમાં એટલે કે સો વર્ષ પહેલાં તેમણે મફત અને ફરજિયાત
કેળવણીની પ્રથા ધીમે ધીમે દાખલ કરી હતી. આ પગલું તેમની દીર્ઘદ્રષ્ટિ દર્શાવેછે.
આખા ભારત દેશમાં આવું પગલું ભરનાર સયાજીરાવ સૌપ્રથમ રાજવી હતા.
ત્યારબાદ તે બાપ હાઈસ્કૂલો અને કૉલેજ
સુધી વિસ્તાર્યો. ઉદ્યોગની કેળવણી આપનાર સંસ્થા કલાભવનની તેમણે સ્થાપના કરી. આ
ઉપરાંત ગામડાની પ્રજાને ખેતીવાડીનું પદ્ધતિસરનું શિક્ષણ આપવાની વ્યવસ્થા પણ તેમણે
શરૂ કરી હતી. આ બધાના શિરટોચ સમી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની પણ સ્થાપના કરી.
આ ઉપરાંત સંગીત, નૃત્ય તેમ જ ચિત્ર જેવી કળાઓ માટેનાં કલા-મહાવિદ્યાલયોની સ્થાપના
કરી. આ સૌ સંખ્યાઓની આજે પણ મોટી પ્રતિષ્ઠા છે. તેમાંથી સ્નાતક થયેલા અનેક વિદ્યાર્થીઓએ
આજે તો જે તે ક્ષેત્રમાં મોટી નામના મેળવી છે. માત્ર કેળવણીનો વ્યાપ વધારી બેસી ન
રહેતાં તેમણે ગામડે ગામડે પુસ્તકાલયો શરૂ કર્યાં હતાં અને ભળેલાની વાચનભૂખ સંતોષે
તેવી જ્ઞાનની પરબો શરૂ કરી હતી. આમ કેળવણીના વ્યાપની સાથે સાથે તેનાં મૂળ પણ ઊંડે
ગયાં.
સમાજરાવને શિક્ષણ ઉપરાંત સાહિત્ય માટે
પણ ઘણો પ્રેમ હતો. પોતે મહારાષ્ટ્રી હતા. પ્રજાનો પણ મોટો ભાગ તે સમયે મરાઠીભાષી
હતો. આમ છતાં તેમણે વડોદરા તેમ જ અન્ય પ્રાંતો ગુજરાતના ભાગરૂપ હોઈ રાજ્યભાષા તો
ગુજરાતી જ ઠરાવી. ગુજરાતી ભાષામાં તેમણે સુંદર પુસ્તકો પ્રગટ કરામાં, ગુજરાતીના
પ્રાચીન કવિઓનાં કાવ્યોની પ્રાચીન કાવ્યમાળાની શ્રેણી શરૂ કરી. પ્રેમાનંદ-શામળ
વગેરેનાં પુસ્તકો
તેમાં પ્રસિદ્ધ થયું.
કલાભવન શરૂ થયા બાદ ઉદ્યોગને લગતા
ટેકનિકલ વિષયોનાં જ્ઞાનમંજૂષા જેવાં પુસ્તકો તેમણે પ્રસિદ્ધ કરાવ્યાં. ઈ.સ.
૧૯૧૨માં વડોદરામાં ગુજરાતના લેખકોની પરિષદ ભરાઈ હતી. સયાજીરાવે તેમાં ભાષણ આપ્યું
હતું. તેમ જ એ પ્રસંગે જાહેર કર્યું કે લોકોપયોગી પુસ્તકો પ્રગટ કરવા માટે બે લાખ
રૂપિયાનું ભંડોળ (એ જમાનામાં) જુદું રાખવામાં આવશે. તેમાંથી સયાજી સાહિત્યમાળા અને
સયાજી બાલજ્ઞાનમાળા નામની ગ્રંથમાળા શરૂ થઇ, જે આજે પણ ચાલે છે. ગુજરાતી ઉપરાંત
તેમણે મરાઠી, હિંદી, ઉર્દૂ અને અંગ્રેજી ભાષાઓના વિકાસ માટે પણ ફાળો આપ્યો હતો. આવાં
લોકોપયોગી કાર્યોને લીધે ગામેગામ સુધી સાહિત્ય પહોંચ્યું. એક સારા રાજ્યકર્તા
ઉપરાંત સયાજીરાવ તેમણે કરેલી સાહિત્યસેવા માટે પણ સદા યાદ રહેશે.
સયાજીરાવે સમાજસુધારા માટે પણ બહુમૂલ્ય કાર્યો કર્યા, તેમાં શિરટોચ તે અંત્યજો માટેનું કાર્ય, અંત્યજો માટે તેમણે ૧૮૮૨થી શાળાઓની શરૂઆત કરી હતી.. અંત્યજ બાળકો માટે તેમણે છાત્રાલયો પણ ખોલ્યાં, તેમાં ત્યાંનાં બાળકોને જમવા-રહેવાની તેમ જ કપડાં અને પુસ્તકોની સમગ્ર સગવડ આપવામાં આવતી હતી. ભારતના દલિતનેતા ભીમરાવ આંબેડકર પણ સયાજીરાવની મદદથી પરદેશ અભ્યાસ કરવા જઈ શક્યા હતા.
આ ઉપરાંત સયાજીરાવે સ્ત્રીકેળવણી પર
ખૂબ ધ્યાન આપ્યું છે. સમાજમાં પ્રવર્તતા ખોટા રીતરિવાજો દૂર કરવા તેમણે કાયદા
કર્યા. બાળલગ્નો બંધ કરાવ્યાં, વિધવાવિવાહને કાયદેસર ઠરાવતો કાયદો પસાર કર્યો. અસ્પૃશ્યતાનિવારણ
કર્યું. વિધવાઓને તેમ જ દીકરીઓને વારસો અપાવ્યો. પ્રજામત સ્વીકારવા તેમણે
ધારાસભાની સ્થાપના કરી. પોતાના રાજ્યની દરેક દિશામાં, વિવિધ
ક્ષેત્રોમાં પ્રગતિ થાય, આબાદી વધે, પ્રજાનાં કેળવણી, કળા અને સંસ્કારની વૃદ્ધિ થાય તે માટે તેમણે અનેક શક્તિશાળી
મહાનુભાવોને પોતાના રાજ્યમાં આમંત્રણ આપી બોલાવ્યા, જે પોતની મેળે આવ્યા તેમની કદર કરીને
તેમને તેમના ક્ષેત્રમાં કામ કરવાની તક આપી, જેમ કે મહાન સંગીતકાર ફૈયાઝખાં અને
મૌલાબક્ષ, ત્રિભુવનદાસ ગજ્જર,
કવિ કાન્ત વગેરે અનેકોએ વડોદરાને પોતાની
કર્મભૂમિ બનાવી.
ગુજરાતમાં જ્ઞાનપ્રચાર, કલાપ્રચાર, વિજ્ઞાન અને
ટેકનિકલ શિક્ષણ, ગ્રામસુધાર, અંત્યજોદ્ધાર, નારીવિકાસ અને રાષ્ટ્રપ્રેમની ચિંતા અને પુરુષાર્થ કરનાર આ વિરાટ
પુરુષ માત્ર ગુજરાતના જ નહિ, પણ ભારતના મહાપુરુષ તરીકે અમર રહેશે. પોતાના હિસ્સે એક નાનકડા વિસ્તારનો
વહીવટ કરવાનો આવ્યો, પરંતુ મોટા રાજ્યનું કે દેશનું પણ સુકાન સફળતાથી સંભાળી શકે તેટલી
તેમનામાં ક્ષમતા હતી. પોતાની મુઠ્ઠીભર પ્રજાની સુખાકારી માટે એમને ઈશ્વરે જે તક
આપી તે તેમણે પૂરી નિષ્ઠાથી અને ઇમાનદારીથી નિભાવી અને પોતાના જ શાસનકાળ દરમિયાન
અન્ય પ્રદેશોમાં બ્રિટિશ શાસનથી પણ અરધી સદી તેમણે આગળ રહી પોતાની સર્વોપરિતા
સિદ્ધ કરી.